યોજનાનો મુખ્ય ઉદ્દેશ :-
કૃષિ ક્ષેત્રમાં વધતી માહિતી ટેકનોલોજીના ઉપયોગને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. આધુનિક ટેકનિક અપનાવી ખેતીને વધુ ઉત્પાદનક્ષમ બનાવવામાં સ્માર્ટફોન મહત્વપૂર્ણ સાધન બન્યું છે. સ્માર્ટફોનના ઉપયોગ દ્વારા ખેડૂત પોતાની ખેતી સંબંધિત માહિતી સમયસર મેળવી શકે છે, જેના કારણે ખેતીની આવક વધારવામાં મદદ મળે છે.
સ્માર્ટફોન દ્વારા ખેડૂતને હવામાન અહેવાલ, વરસાદની માહિતી તેમજ સેટેલાઇટ આધારિત માહિતી પ્રાપ્ત થાય છે. ઉપરાંત, સંભવિત રોગ અને જીવાત અંગેની માહિતી મેળવીને સમયસર યોગ્ય પગલાં લઈ શકાય છે. ખેતી સંબંધિત ઉપયોગી પ્રકાશનો, નવીન અને આધુનિક ખેતી પદ્ધતિઓ, તેમજ જીવાત નિયંત્રણની વિવિધ રીતો અંગેની માહિતી પણ સ્માર્ટફોન દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
પાત્રતા માપદંડ :-
આ યોજના રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતો માટે ઉપલબ્ધ છે. જો કોઈ ખેડૂત પાસે એકથી વધુ ખાતા હોય તો પણ તેને આ યોજનાનો લાભ માત્ર એક વખત જ મળશે. સંયુક્ત ખાતાની સ્થિતિમાં, જમીનની 8-અ નોંધમાં દર્શાવેલા ખેડૂતોમાંથી માત્ર એક ખેડૂતને જ આ સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
સહાયની વિગતો :-
આ યોજના હેઠળ ખેડૂતને સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40 ટકા સુધીની સહાય અથવા રૂપિયા 6,000/- (જે ઓછું હોય તે) આપવામાં આવશે. આ સહાય ખેડૂતને માત્ર એક જ વખત આપવામાં આવશે. સહાય સંબંધિત તમામ શરતો અને જોગવાઈઓ યોજનાના ઠરાવ મુજબ લાગુ પડશે.
અરજી કરવાની પ્રક્રિયા :-
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ યોજનાના ઠરાવ મુજબ સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.